નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે આજે મેસર્સ સોજીટ્ઝ કોર્પોરેશન, જાપાન અને લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમ સાથે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (MAHSR D-2 પેકેજ) માટે ગુજરાત રાજ્યમાં સાબરમતી ડેપોની ડિઝાઇન અને બાંધકામ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારમાં વર્કશોપ, ઇન્સ્પેક્શન શેડ, વિવિધ ઇમારતો, જાળવણી સુવિધાઓ અને તેની સાથે સંકળાયેલા વિવિધ કાર્યોનો સમાવેશ થાય છે.
કોન્ટ્રાક્ટ કરાર સમારોહમાં એનએચએસઆરસીએલના મેનેજિંગ ડિરેક્ટર રાજેન્દ્ર પ્રસાદ, રોલિંગ સ્ટોકના ડિરેક્ટર વિજય કુમાર અને અન્ય ડિરેક્ટરો, જાપાનના દૂતાવાસ, જમીન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન અને પર્યટન મંત્રાલય, JICC અને JICA તેમજ જાપાન સરકારના અધિકારીઓએ હાજરી આપી હતી.
આ સુવિધાઓની ડિઝાઇન જાપાનમાં સેન્ડાઇ અને કનાઝાવા ખાતે શિંકનસેન મેન્ટેનન્સ ફેસિલિટી પર આધારિત છે. રોલિંગ સ્ટોકનું નિરીક્ષણ કરવા અને જાળવણી કરવા માટે જરૂરી લગભગ 250 પ્રકારની 800 થી વધુ વિશિષ્ટ મશીનરીઓ આ ડેપો માટે જાપાનમાંથી મંગાવવામાં આવશે, જેમાં ધ્રુજારી, તાપમાન, અવાજની તપાસનો સમાવેશ થાય છે જે હાઇ સ્પીડ દોડવા માટે મહત્વપૂર્ણ છે અને તે મુસાફરોની સુવિધાઓની ખાતરી કરશે. હાઇ-સ્પીડ ટ્રેનસેટની સલામત અને વિશ્વસનીય જાળવણી સુનિશ્ચિત કરવા માટે ડેપોમાં તમામ સુરક્ષા સુવિધાઓ હશે.
સલામત અને આરોગ્યપ્રદ કાર્ય વાતાવરણ પ્રદાન કરવા માટે, ડેપોમાં યોગ્ય વેન્ટિલેશન, અવાજ અને ધૂળનું દમન, સલામતી સુવિધાઓ, વરસાદી પાણીના સંગ્રહની સુવિધા, એલઇડી આધારિત કૃત્રિમ લાઇટિંગ સિસ્ટમ ઉપરાંત કુદરતી પ્રકાશ અને ભવિષ્યમાં શેડ અને ઇમારતોની છત પર સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરવાની જોગવાઈ જેવી નવીનતમ સ્થાપત્ય સુવિધાઓ હશે.
આ સુવિધા વિવિધ આધુનિક સિસ્ટમો જેવી કે બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ, આઈટી અને ડેટા નેટવર્ક સિસ્ટમ, ફાયર ડિટેક્શન અને એલાર્મ સિસ્ટમ, એક્સેસ કંટ્રોલ સિસ્ટમ વગેરેથી સજ્જ હશે.
સાબરમતી વર્કશોપ અને ડેપોમાં ઈમારતો અને શેડ સહિતની સુવિધા શ્રેષ્ઠ રીતે તૈયાર કરવામાં આવશે. અન્ય પેકેજ હેઠળ સુવિધાના નિર્માણ માટેની તૈયારીઓ પહેલાથી જ પ્રગતિમાં છે.