મુંબઈ - અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામ સ્થળોએ કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવા જાગૃતિ અભિયાનના ભાગરૂપે, એનએચએસઆરસીએલે સમગ્ર કોરિડોરમાં 100 વિવિધ કાર્ય સ્થળ પર 'પ્રયાસ' નામના શેરી નાટક (શેરી નાટકો)નું પ્રથમ સત્ર પૂર્ણ કર્યું છે.
મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશનથી અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન સુધી શરૂ થયેલા શેરી નાટકો દરમિયાન 6000થી વધુ કામદારો/શ્રમિકોને શિક્ષણ આપવામાં આવ્યું હતું.
આ શેરી નાટકોનું આયોજન કરવાનો ઉદ્દેશ જાગૃતિ લાવવાનો અને કામદારોને બાંધકામ સ્થળોએ સલામતીના મહત્વ વિશે આકર્ષક રીતે શિક્ષિત કરવાનો હતો. આ પ્રદર્શનની રચના ચાવીરૂપ સલામતીના વિષયો જેવા કે ઉપકરણોનો યોગ્ય ઉપયોગ, સલામતી માર્ગદર્શિકાઓનું પાલન, કટોકટીની પ્રતિભાવ પ્રક્રિયાઓ અને કામના સુરક્ષિત વાતાવરણને જાળવવાના મહત્ત્વને આવરી લેવા માટે કરવામાં આવી હતી.
દેશના વિવિધ ભાગોના જેમ કે યુ.પી., બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કામદારો માટે આ પ્રદર્શન સુલભ બને અને જેઓ વિવિધ ભાષાકીય પૃષ્ઠભૂમિ ધરાવે છે, તે સુનિશ્ચિત કરવા માટે, શેરી નાટકોની ભાષા સરળ અને સાદી રાખવામાં આવી છે.
નાટક, રમૂજ અને સંબંધિત દૃશ્યોને શેરી નાટકોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જેથી કામદારોનું ધ્યાન આકર્ષિત કરી શકાય અને સલામતી સંદેશાઓનો અસરકારક રીતે સંચાર કરી શકાય.
આ ઝુંબેશ આગામી છ (06) મહિના સુધી ચાલુ રહેશે, જે બુલેટ ટ્રેન કોરિડોરમાં કાસ્ટિંગ યાર્ડ્સ, ટનલ શાફ્ટ, નિર્માણાધીન સ્ટેશનો, ડેપો, પુલો અને વાયડક્ટ્સને આવરી લે છે.
"અમારા બાંધકામ સ્થળો દરરોજના હજારો કુશળ અને અકુશળ કામદારોના પ્રયત્નોના સાક્ષી છે. આ અભિયાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં કાર્યબળમાં સલામતીની મજબૂત સંસ્કૃતિ સ્થાપિત કરવાનું કામ કરે છે." એમ એનએચએસઆરસીએલનાં વહીવટી સંચાલક શ્રી વિવેક કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું.