Skip to main content

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 16 કિ.મી.ની ટનલ માટે 76,000થી વધુ સેગમેન્ટ તૈયાર કરવામાં આવશે

Published Date

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ અને શિલફાટા વચ્ચે 21 કિલોમીટરની ટનલનું નિર્માણ ચાલી રહ્યું છે. કુલ લંબાઈમાંથી 16 કિલોમીટરનું ખોદકામ ત્રણ ટનલ બોરિંગ મશીન (ટીબીએમ) નો ઉપયોગ કરીને કરવામાં આવશે, જ્યારે બાકીના 5 કિલોમીટરનું ખોદકામ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ પધ્ધતિ (એનએટીએમ) નો ઉપયોગ કરીને કરવામાં આવશે.

ટીબીએમ સાથે 16 કિલોમીટરના સેક્શનનું નિર્માણ કરવા માટે 76,940 સેગમેન્ટ તૈયાર કરવામાં આવશે, જેમાં 7,441 રિંગ્સ બનાવવામાં આવશે. બોગદાંની લાઇનિંગ માટે ખાસ રિંગ સેગમેન્ટ્સ તૈયાર કરવામાં આવે છે, દરેક રિંગ નવ વક્ર સેગમેન્ટ્સ અને એક ચાવીરૂપ સેગમેન્ટ ધરાવે છે, જેમાં દરેક સેગમેન્ટ 2 મીટર પહોળો અને 0.5 મીટર જાડો હોય છે.

ઉચ્ચ-તાકાત ધરાવતા એમ70 ગ્રેડ કોંક્રિટનો ઉપયોગ શ્રેષ્ઠ માળખાકીય અખંડિતતા અને લાંબા ગાળાના ટકાઉપણાને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મહાપેમાં 98,898 ચોરસ મીટર (9.9 હેક્ટર) ના વિસ્તારને આવરી લેતું કાસ્ટિંગ અને સ્ટેકીંગ યાર્ડ હાલમાં શરૂ કરવામાં આવી રહ્યું છે. યાર્ડમાં મોલ્ડના નવ સેટ હશે, જેમાંના દરેકમાં દસ ટુકડા હશે. આ મોલ્ડના ચાર સેટ સ્થળ ઉપર પહેલેથી જ સ્થાપન કરવામાં આવી રહ્યા છે.

યાર્ડ કાસ્ટિંગ કામગીરીને સ્વચાલિત અને યાંત્રિક બનાવવા માટે વિવિધ ક્રેન્સ, ગેન્ટ્રી અને મશીનોથી સજ્જ છે, જે સેગમેન્ટ્સના કાસ્ટિંગ અને સ્ટેકીંગ દરમિયાન ઉચ્ચ ગુણવત્તાની ખાતરી સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત આ સુવિધામાં કાસ્ટિંગ શેડ, સ્ટેકિંગ એરિયા, બેચિંગ પ્લાન્ટ અને સ્ટીમ ક્યુરિંગ એરિયાનો સમાવેશ થાય છે.

Related Images