મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે 103 કિ.મી. ના વાયડક્ટની બંને બાજુએ 206,000 ધ્વનિ નિયંત્રકોની સ્થાપના સાથે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. દર 1 કિ.મી.ના પટ્ટા માટે, વાયડક્ટની દરેક બાજુએ વ્યૂહાત્મક રીતે 2,000 ધ્વનિ નિયંત્રકો મૂકવામાં આવ્યા છે.
કામગીરી દરમિયાન ટ્રેન અને સિવિલ માળખા દ્વારા ઉત્પન્ન થતા અવાજને ઘટાડવા માટે ધ્વનિ નિયંત્રકોની રચના કરવામાં આવી છે. આ નિયંત્રકો ટ્રેન દ્વારા ઉત્પાદિત એરોડાયનેમિક અવાજ તેમજ ટ્રેક પર દોડતા પૈડાઓ દ્વારા ઉત્પન્ન થતા અવાજને પ્રતિબિંબિત કરે છે અને તેનું વિતરણ કરે છે. દરેક અવરોધની ઊંચાઈ 2 મીટર અને પહોળાઈ 1 મીટર હોય છે, જેનું વજન આશરે 830-840 કિગ્રા હોય છે. રહેણાંક અને શહેરી વિસ્તારોમાં 3 મીટર ઊંચા ધ્વનિ નિયંત્રકો લગાવવામાં આવ્યા છે. આમાં 2 મીટર કોંક્રિટ અવરોધની ઉપર 1-મીટરની વધારાની અર્ધપારદર્શક પોલિકાર્બોનેટ પેનલનો સમાવેશ થાય છે, જેથી મુસાફરો અવરોધ વિના દૃશ્યોનો આનંદ માણી શકે.
આ અવરોધોના ઉત્પાદનને ટેકો આપવા માટે, છ સમર્પિત ફેક્ટરીઓની સ્થાપના કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં ત્રણ ફેક્ટરીઓ અને સુરત, વડોદરા અને આણંદમાં એક-એક ફેક્ટરી આવેલી છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે પણ મહત્ત્વના બાંધકામના કામોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. 243 કિલોમીટરથી વધુ વાયડક્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે, જેમાં 352 કિલોમીટરનું થાંભલાઓનું કાર્ય અને 362 કિલોમીટરનું થાંભલાના ફાઉન્ડેશનનું કામ પણ સામેલ છે. 13 નદીઓ પર પુલોનું નિર્માણ કરવામાં આવ્યું છે, અને પાંચ સ્ટીલ પુલો અને બે પીએસસી પુલો દ્વારા અનેક રેલ્વે લાઇનો અને રાજમાર્ગોને પાર કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં ટ્રેકનું બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં આણંદ, વડોદરા, સુરત અને નવસારી જિલ્લામાં આરસી (રિઇન્ફોર્સ્ડ કોંક્રિટ) ટ્રેક બેડનું નિર્માણ ચાલી રહ્યું છે. આરસી ટ્રેક બેડનું 71 ટ્રેક કિ.મી.નું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને વાયડક્ટ પર રેલનું વેલ્ડિંગ શરૂ થઈ ગયું છે.
મહારાષ્ટ્રમાં, મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશન માટે પ્રથમ કોંક્રિટ બેઝ-સ્લેબ સફળતાપૂર્વક 32 મીટરની ઊંડાઈએ કાસ્ટ કરવામાં આવ્યો છે, જે 10 માળની ઇમારતની સમકક્ષ છે. બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) અને શિલફાટા વચ્ચે 21 કિ.મી. ના બોગદાંનું કામ ચાલી રહ્યું છે, જેમાં મુખ્ય બોગદાંના નિર્માણને સરળ બનાવવા માટે 394 મીટરનું મધ્યમવર્તી બોગદાંનું (એડીઆઇટી) કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.
પાલઘર જિલ્લામાં ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ (એનએટીએમ)નો ઉપયોગ કરીને સાત પર્વતીય બોગદાંનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ગુજરાતમાં એકમાત્ર પર્વતીય બોગદાંનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે.
કોરિડોરની બાજુમાં આવેલા 12 સ્ટેશનો, થિમેટિક તત્વો અને ઊર્જા-કાર્યક્ષમ સુવિધાઓ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેનું ઝડપી નિર્માણ ચાલી રહ્યું છે. આ વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ અને ઊર્જા-હકારાત્મક સ્ટેશનો સ્થિરતાને પ્રાધાન્ય આપવાની સાથે મુસાફરોને વિશ્વ-કક્ષાનો અનુભવ પૂરો પાડવા માટે બનાવવામાં આવ્યા છે.
"મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર્યાવરણને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક તકનિકને જોડીને હાઈ-સ્પીડ રેલ બાંધકામમાં નવા માપદંડો સ્થાપિત કરવાનું ચાલુ રાખે છે. આ પ્રોજેક્ટ માત્ર જોડાણમાં જ પરિવર્તન લાવી રહ્યો નથી, પરંતુ નોંધપાત્ર સામાજિક અને આર્થિક લાભોનું સર્જન પણ કરી રહ્યો છે, જેમાં હજારો રોજગારીનું સર્જન, સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ અને પ્રાદેશિક માળખામાં સુધારાનો સમાવેશ થાય છે. તે મુસાફરીના સમયને ઘટાડવામાં, ગતિશીલતા વધારવામાં અને પ્રાદેશિક વિકાસને વેગ આપવા માટે પણ મદદ કરશે, આ પ્રોજેક્ટ આર્થિક વિકાસને વેગ આપવા અને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જીવનની ગુણવત્તાને વધારવા માટે તૈયાર છે." - શ્રી વિવેક કુમાર ગુપ્તા, વહીવટી સંચાલક, એનએચએસઆરસીએલ