ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ - મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર, જેની લંબાઈ 508 કિલોમીટર છે, તે પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યો વચ્ચે ઝડપી મુસાફરી પ્રદાન કરશે.
મહારાષ્ટ્રના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) વિસ્તારથી શરૂ થયા બાદ 320 કિમી/કલાકની ઝડપે દોડતી હાઈ સ્પીડ ટ્રેન, આ વિસ્તારમાં શહેરો વચ્ચેની મુસાફરીમાં ક્રાંતિ લાવશે અને મુંબઈ, વાપી, સુરત, આણંદ, વડોદરા અને અમદાવાદના અર્થતંત્રને વેગ આપશે. તેમાં થાણે, વિરાર, બોઇસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ જેવા 10 શહેરોમાં સ્ટેશન હશે અને અંતિમ સ્ટેશન સાબરમતી (અમદાવાદ) ખાતે હશે.
આ સમગ્ર સફર મર્યાદિત સ્ટેશનો (સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે) સાથે લગભગ 2 કલાક 7 મિનિટમાં પૂર્ણ કરવામાં આવશે, જે પરંપરાગત ટ્રેનો અથવા માર્ગ મુસાફરી દ્વારા લેવામાં આવતા સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે.
આ પ્રોજેક્ટનો અમલ કરતી કંપની નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)ની રચના કંપની ધારા, 2013 હેઠળ 12 ફેબ્રુઆરી, 2016ના રોજ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ ભારતમાં હાઈ સ્પીડ રેલ કોરિડોરને નાણાં પૂરા પાડવાનો, તેનું નિર્માણ કરવાનો, તેની જાળવણી કરવાનો અને તેનું વ્યવસ્થાપન કરવાનો છે. કંપનીને સંયુક્ત ક્ષેત્રમાં 'સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ' તરીકે સ્થાપવાના કરવામાં આવી છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રેલવે મંત્રાલય અને બે રાજ્ય સરકારો ગુજરાત સરકાર અને મહારાષ્ટ્ર સરકાર મારફતે ઇક્વિટી ભાગીદારી સામેલ છે.
શક્યતાદર્શી અહેવાલ મુજબ, આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 1,08,000 કરોડ (17 અબજ ડોલર) છે, જેમાં કરવેરાનો સમાવેશ થતો નથી. આ પ્રોજેક્ટનો અમલ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જેઆઈસીએ) તરફથી સત્તાવાર વિકાસ સહાય (ઓડીએ) લોન સહાય મારફતે કરવામાં આવી રહ્યો છે.
મૂડીનાં સંપૂર્ણ માળખામાં આ પ્રોજેક્ટનાં કુલ ખર્ચનાં 81 ટકા ભંડોળ જાપાન સરકાર દ્વારા જેઆઈસીએ મારફતે પૂરું પાડવામાં આવશે. બાકીના પ્રોજેક્ટ ખર્ચ માટે ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. સ્પેશિયલ પર્પઝ વ્હિકલના ઇક્વિટી માળખા અનુસાર, 50 ટકા હિસ્સો ભારત સરકાર (જીઓઆઈ) પાસે, રેલવે મંત્રાલય દ્વારા અને 25-25 ટકા હિસ્સો મહારાષ્ટ્ર સરકાર અને ગુજરાત સરકાર પાસે છે.
એમએએચએસઆર માટે આપવામાં આવતી લોનની શરતો રાહતના નિયમો અને શરતો પર આધારીત છે. સદર લોન 0.1 ટકાના વ્યાજદરે 50 વર્ષની મુદતે અને 15 વર્ષની મોરેટોરિયમ અવધિ સાથે છે. આમ, લોનની ચુકવણી 35 વર્ષમાં કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરી 100 ટકા પૂર્ણ કરવામાં આવી છે. આ લાઇન માટે નિયત કરવામાં આવેલી 1390 હેક્ટર જમીનમાંથી 430 હેક્ટર જમીન મહારાષ્ટ્રમાં છે અને અન્ય 960 હેક્ટર જમીન ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં છે.
લગભગ 90 ટકા ટ્રેક એલિવેટેડ છે અને તેનું નિર્માણ મુખ્યત્વે ફુલ સ્પાન લોન્ચિંગ પધ્ધતિ (એફએસએલએમ)નો ઉપયોગ કરીને કરવામાં આવી રહ્યું છે. નિર્માણની આ અનોખી પદ્ધતિનો દેશમાં સૌપ્રથમ વખત ઉપયોગ થઈ રહ્યો છે. આ તકનીકનો ઉપયોગ અને તેમાં નિપુણતા મેળવનાર ભારત વિશ્વના કેટલાક દેશોમાંનો એક છે.
એફએસએલએમ વાયડક્ટ બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવતી પરંપરાગત વૃતખંડિય બાંધકામ તકનીક કરતા 10 ગણી ઝડપી છે.
રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો, સિંચાઈ નહેરો, નદી અને રેલવેના પાટા પર ફેલાયેલા કોરિડોરની લંબાઈને સમાંતર 60 મીટરથી 130 મીટરની લંબાઈ ધરાવતા 28 સ્ટીલના પુલોના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત લાઇનદોરીના ભાગરૂપે નદીઓ પર 24 પુલો બનાવવામાં આવી રહ્યા છે, જેમાંથી 20 પુલ ગુજરાત રાજ્યમાં અને 4 પુલ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા છે.
એમએએચએસઆર કોરિડોરમાં 8 પર્વતીય ટનલ સામેલ હશે, જેનું નિર્માણ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ (એનએટીએમ)નો ઉપયોગ કરીને કરવામાં આવશે. આ ટનલોમાંથી સાત ટનલો મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલ છે, જ્યારે એક ટનલ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલ છે.
વાયડક્ટની બંને બાજુએ ઘોંઘાટ અવરોધકો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે, જેથી સંચાલન દરમિયાન ઉત્પન્ન થતાં ઘોંઘાટને ઘટાડવામાં મદદ મળી શકે.
આ લાઇનદોરીમાં 21 કિલોમીટર લાંબી દરિયાની નીચે ટનલ બનાવવામાં આવશે, જેમાં થાણે ક્રીકની નીચે ભારતની પ્રથમ 7 કિલોમીટર લાંબી દરિયાઈ ટનલનો પણ સમાવેશ થાય છે. સમગ્ર 21 કિ.મી.ના પટ્ટાનું નિર્માણ બે ટનલિંગ પદ્ધતિઓ – (૧) ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ (એનએટીએમ)ના સંયોજનનો ઉપયોગ કરીને કરવામાં આવશે, જે 5 કિ.મી. ટનલનું નિર્માણ કરશે અને (૨) ટનલ બોરિંગ મશીન્સ (ટીબીએમ) દ્વારા બાકીના 16 કિ.મી. ટનલનું નિર્માણ કરવામાં આવશે.
13.1 મીટર વ્યાસની એક જ નળી ટનલમાં બંને ટ્રેક લઈ જશે. 13.6 મીટર વ્યાસના કટર હેડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ભારતમાં કોઈ પણ રેલવે પ્રોજેક્ટ માટે સૌથી મોટું છે, તેનો ઉપયોગ ટીબીએમએસ માટે કરવામાં આવી રહ્યો છે.
એમએએચએસઆર લાઇન પરના 12 સ્ટેશનોમાંથી દરેકની ડિઝાઇન તે જે શહેરમાં સ્થિત છે તેના ઇતિહાસને પ્રતિબિંબિત કરશે. તેનાથી સ્થાનિક લોકો સાથે ત્વરિત જોડાણ થશે અને હાઈ-સ્પીડ રેલ પધ્ધતિની માલિકીની ભાવનાને પ્રોત્સાહન મળશે. આ સ્ટેશનોની રચના સમકાલીન આર્કિટેક્ચરલ અગ્રભાગ અને અત્યાધુનિક આધુનિક ફિનિશિંગ સાથે કરવામાં આવી રહી છે.
અવિરત મુસાફરીના અનુભવ માટે, લાઇનદોરી પરના સ્ટેશનોને મેટ્રો, બસ, ટેક્સી અને રિક્ષા જેવા અન્ય મુસાફરીના માધ્યમોને જોડી પરિવહન કેન્દ્રો તરીકે વિકસિત કરવામાં આવશે, જેથી સ્ટેશન પર અને સ્ટેશનની અંદર વધુ સારી, ઝડપી અને મુશ્કેલી-મુક્ત જોડાણ મળી શકે. આ પ્રકારનાં માધ્યમથી પ્રવાસનાં સમયમાં ઘટાડો થશે, સુલભતા વધશે અને જાહેર પરિવહનનાં ઉપયોગને પ્રોત્સાહન મળશે, જેથી આપણાં શહેરોની ગીચતા અને ઉત્સર્જનમાં ઘટાડો થશે.
પ્રવાસીઓની સુલભતા અને સુવિધા વધારવા તથા સ્ટેશનની આસપાસ આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે, આસપાસના વિસ્તારોને ટીઓડી (ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ)ની નીતિઓ અનુસાર વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સાબરમતી અને સુરત અને મહારાષ્ટ્રના વિરાર અને થાણેના સ્ટેશનોની આસપાસના વિસ્તારોને પણ સંબંધિત રાજ્યના સત્તાવાળાઓ દ્વારા સ્ટેશન વિસ્તાર વિકાસની યોજના તૈયાર કરવા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
વિવિધ પરિવહન માધ્યમોનો સાતત્યપૂર્ણ સમન્વય સાધવા ગુજરાતમાં સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનને જોડતું મલ્ટિ મોડલ ટ્રાન્ઝિટ ટર્મિનલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટ માટે જાપાનીઝ શિંકનસેન ટ્રેક તકનિક પર આધારિત બેલાસ્ટલેસ ટ્રેકની જે-સ્લેબ ટ્રેક પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં પહેલીવાર જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક પધ્ધતિનો ઉપયોગ થઇ રહ્યો છે.
ટ્રેક ઇન્સ્ટોલેશનની સંપૂર્ણ પ્રક્રિયા ખાસ કરીને જાપાની સ્પષ્ટીકરણો અનુસાર રચાયેલ અને ઉત્પાદિત અદ્યતન મશીનરીથી યાંત્રિક કરવામાં આવે છે. રેલ ફીડર કાર, ટ્રેક સ્લેબ પાથરવાની કાર, સીએએમ લેઇંગ કાર અને ફ્લેશ બટ્ટ વેલ્ડિંગ મશીન જેવા મશીનોના કાફલાનો ઉપયોગ ટ્રેક નિર્માણ કાર્ય માટે કરવામાં આવશે. શિંકનસેન ટ્રેક નિર્માણ કાર્યની કાર્યપ્રણાલીને સમજવા માટે જાપાની વિશેષજ્ઞો દ્વારા ભારતીય ઇજનેરો, કાર્ય નેતાઓ અને ટેક્નિશિયનો માટે સંબંધિત ક્ષેત્રોમાં વિવિધ વિષયો પર વ્યાપક પ્રશિક્ષણ અને પ્રમાણપત્ર અભ્યાસક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ કોરિડોર માટેની ટ્રેનો આરામ અને વિશ્વસનીયતાને ધ્યાનમાં રાખીને બનાવેલ અત્યાધુનિક ટ્રેનસેટ છે. આ ટ્રેનોને ભારતીય પર્યાવરણની પરિસ્થિતિને અનુરૂપ બનાવવામાં આવી રહી છે. ગુજરાતના સાબરમતી અને સુરત અને મહારાષ્ટ્રના થાણે ખાતે ત્રણ રોલિંગ સ્ટોક ડેપોનું નિર્માણ ચાલી રહ્યું છે.
ઊર્જાની જરૂરિયાતને પહોંચી વળવા કોરિડોરની સાથે 12 ટ્રેક્શન સબસ્ટેશન, 2 ડેપો ટ્રેક્શન સબસ્ટેશન અને 16 ડિસ્ટ્રિબ્યુશન સબસ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે.
ટ્રેનોના સલામત સંચાલન માટે સ્વચાલિત ટ્રેન નિયંત્રણ તકનીકનો ઉપયોગ કરવામાં આવશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બાંધકામની કામગીરી દરમ્યાન રોજગારીનું સર્જન કરીને આર્થિક વિકાસને વેગ આપી રહ્યો છે, જ્યારે રોકાણને પણ આકર્ષિત કરી રહ્યો છે અને સ્ટેશનોની આસપાસના વિસ્તારોને પુનઃજીવિત કરી રહ્યો છે. ગતિશીલતા અને જોડાણમાં સુધારો કરીને, બુલેટ ટ્રેન શહેરો વચ્ચે મુસાફરીનો સમય ઘટાડશે, કામદારોની ઉત્પાદકતામાં વધારો કરશે અને વ્યવસાયિક સહયોગને પ્રોત્સાહન આપશે. તે સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપતા અમદાવાદ, મુંબઈ, સુરત અને વડોદરા જેવા મુખ્ય શહેરી કેન્દ્રો સાથે વંચિત વિસ્તારોને પણ જોડે છે. આ પ્રોજેક્ટ વિકાસશીલ ભારત, સક્ષમ ભારત અને સશક્ત ભારતનાં નિર્માણ માટે ભારતનાં માળખાગત સુવિધા અને જોડાણમાં પરિવર્તન લાવવાની પ્રધાનમંત્રીની ગતિશક્તિની પહેલ સાથે સુસંગત છે.